ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

પરિપત્ર ક્રમાંકઃ લરવ-ર૮૭૬-ર૬૦૧-હ

2/20/2020 11:24:29 PM

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો મારફત તપાસ કરાવવા બાબત..

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ લરવ-ર૮૭૬-ર૬૦૧-હ

સચિવાલય, ગાંધીનગર

તા. ૧-૪-ર૦૦ર

 

આમુખ -

  1. ગૃહ વિભાગનો તા. ૧૧-૧૧-૭૬નો સરખાક્રમાંકનો ખાનગી પરિપત્ર.

  2. ગૃહ વિભાગનો તા. ૩૦-૪-૭૯નો ખાનગી પરિપત્ર ક્રમાંકઃ લરવ-૩૧૭૯-૬૩૮-હ.

 

રિ ત્ર -

       

        રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા લાંચ રૂશ્વતને લગતી અગત્યની બાબતો સિવાય પણ કેટલીક બાબતો જેવી કે - ખરીદીમાં ગેરરીતિ, સત્તાનો દુરૂપયોગ, વહીવટી અનિયમિતતા અંગેની તપાસો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા આવી તપાસો હાથ ધરાવાના કારણે, તેના મર્યાદિત મહેકમને ધ્યાનમાં લેતાં, તેની મૂળ કામગીરી ઉપર વિપરીત અસર પડે છે. આવી વિપરીત અસરોને અટકાવવા આમુખમાં જણાવેલ ક્રમ-(૧) પરના તા. ૧૧-૧૧-૭૬ના પરિપત્રથી કઇ બાબતોની તપાસ વિભાગ પોતાની કક્ષાએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને સોંપી શકશે અને કઇ બાબતોની તમારા માટે ગૃહ વિભાગની પૂર્વ મંજૂરી જરૂરી છે તે માટેની સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. આ સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થતું ન હોવાથી, આમુખમાં જણાવેલ ક્રમ(ર) પરના તા. ૩૦-૪-૭૯ના પરિપત્રથી તે બાબત પુનઃ ધ્યાન પર લાવવામાં આવી હતી.

 

ર.      આમ છતાં, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને તપાસ સોંપવા સંબંધમાં વહીવટી વિભાગો દ્વારા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને તપાસ સોંપવાના પ્રત્યેક કિસ્સામાં ગૃહ વિભાગની મંજૂરી મેળવવાનો આગ્રહ રાખવામાં આવતો હોવાનું જણાયું છે. આવી પરિસ્થિતિ નિવારવા અને કામગીરી સરળ બનાવવાના હેતુસર ઉપર આમુખમાં દર્શાવેલ ગૃહ વિભાગના બંને પરિપત્રો આથી રદ કરીને, નીચે મુજબની સૂચનાઓ બહાર પાડવામાં આવે છે.

 

(૧)    ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ હેઠળ ગુન્હાની વ્યાખ્યામાં આવી શકે તેવા તમામ આક્ષેપો જેવાં કે લાંચની માંગણી, લાંચનો સ્વીકાર, લાંચની માંગણી અને સ્વીકારવામાં મદદગારી, આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ મિલકતો ધરાવવી, અંગત ફાયદા માટે આચરવામાં આવતી ભ્રષ્ટ રીત-રસમો, પ્રમાણિકતાનો અભાવ દર્શાવતી બાબતો વગેરેની તપાસ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો મારફત કરાવવા માટે ગૃહ વિભાગનો પરામર્શ જરૂરી નથી. આ બાબતે સંબંધિત વહીવટી વિભાગે સત્તા સોંપણીના હુકમો અનુસાર નિર્ણય લઇને, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને તપાસ સોંપવાની રહેશે.

 

(ર)    ઉક્ત ક્રમ (૧) સિવાયની બાબતના આક્ષેપો જેવાં કે જાહેર નાણાની ઉચાપત ખરીદીમાં ગેરરીતિ, ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ, વહીવટી અનિયમિતતા, સત્તાનો દુરૂપયોગ, વગેરેની તપાસ કે જે સામાન્ય રીતે ખાતાકીય રીતે અથવા સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરી શકાય છે. તેમ છતાં આવી તપાસ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કરાવવાની વિભાગની દરખાસ્ત હોય તો તે માટેના કારણો સાથેની દરખાસ્ત ગૃહ વિભાગને મોકલવાની રહેશે અને ગૃહ વિભાગની મંજૂરી મેળવ્યા બાદ, સંબંધિત વહીવટી વિભાગે સત્તા સોંપણીના હુકમો અનુસાર નિર્ણય લઇને, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને તપાસ સોંપવાની રહેશે. તપાસ સોંપતા હુકમમાં જે ફાઇલ પર ગૃહ વિભાગની મંજૂરી મેળવી હોય તે ફાઇલનો નંબર/ મંજૂરીની તારીખનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે.

 

૩.      ઉપર્યુક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તમામ વહીવટી વિભાગોને જણાવવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

સુભાષ સોની

ઉપસચિવ

ગૃહ વિભાગ

પ્રતિ,

સચિવાલયના તમામ વિભાગો

સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ (પત્ર દ્વારા)

સર્વે ખાતાના વડાઓ

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

 

.....................