Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંક પરચ/2988/1069/ડ
Rating :  Star Star Star Star Star   

સ્ત્રીઓમાં બનતા અપમૃત્યુના બનાવો રોકવા અથવા બનાવ બન્યા બાદ લેવાના પગલાં બાબત..

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંક - પરચ/ર૯૮૮/૧૦૬૯/ડ

સચિવાલય, ગાંધીનગર

તારીખ - ૩/ર/૧૯૮૯

 

વંચાણે લીધા -

(૧)    ગૃહ વિભાગના સરકયુલર નંબરઃ એમઆઇએસ/૩ર૮૪/૧૧૭૮/એન, તા. ૧૮/૧/૮પ.

(ર)    ગૃહ વિભાગના સરકયુલર નંબર - એમઆઇએસ/ર૯૮૪/એમએચ/૮૦/ડ, તા. ર૦/૪/૮૭.

(૩)    પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીના નિમપત્ર નંબર - જી.૧/ ૧૯ર૭/ દહેજ/ ૩/ ર૬૬/ ૮૯, તા. ૧૭/૧/૧૯૮૯

 

રિ ત્ર -

 

        નવી પરણેલી સ્ત્રીઓ ઉપર તેમના પતિ અથવા સગાઓ દ્વારા થતા અત્યાચારો નિવારવા અને તેઓના થતા અપમૃત્યુ રોકવા અંગે અત્રેથી જુદી જુદી જાતની સુચનાઓ આપવામાં આવે છે. આવા કેસોમાં ગુનેગાર છૂટી જવાની કે યોગ્ય સજા કરતાં ઓછી સજા થવાની શકયતા નાબુદ કરી આ વ્યવસ્થાને વધુ એકીકૃત તથા સુદૃઢ બનાવવાના હેતુથી ઉપરોકત વિષય અંગેની અગાઉની તમામ સુચનાઓ આથી રદ કરીને નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવે છે.

 

(૧)    સ્ત્રીઓ ઉપરના અત્યાચારો રોકવા અંગે.

- અ - કોઇપણ પરિણિત સ્ત્રીના લગ્નજીવનના ૧૦ વર્ષમાં તેના ઉપર થતા અત્યાચાર બાબત જયારે નોન કોગ્ન્ઝિબલ ફરિયાદ દાખલ થાય ત્યારે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રી તે ગુન્હો દાખલ કરી ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧પપ(ર) મુજબ અધિકારવાળા મેજીસ્ટ્રેટની મંજૂરી મેળવી તે અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવી. આવી એન. સી. ફરિયાદની નકલ મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષશ્રી, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિકારીશ્રી અને વિભાગના નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રીને તરત જ મોકલી આપવી.

 

- બ -  દરમ્યાન સદર સ્ત્રીને એવું જણાતું હોય કે પોતાના પતિના અથવા તેના પતિના સગાના ઘરમાં રહેવાથી તેણીના પોતાના જાનનું જોખમ છે તો અથવા ફરીથી તેણીને માનસિક કે શારીરિક ત્રાસ આપવાનો ભય રહેતો હોય તો અને તેથી તેણી ત્યાં જવાની ના પાડતી હોય તો પોલીસ અમલદાર તેણીને તેના માતા-પિતાને ઘેર, વિકાસગૃહમાં અથવા બીજી કોઇ યોગ્ય જગ્યાએ જવામાં તેણીને સહાય કરશે. તેમજ આવા કિસ્સાઓમાં તે તમામ યોગ્ય અટકાયતી પગલાં લેશે કે જેથી તેણીના પતિ કે સાસરી પક્ષના લોકો બળજબરીથી શારીરિક ત્રાસ આપીને કે બીજી કોઇ રીતે તેણીની પ્રવૃત્તિઓમાં અડચણ ઉભી ન કરી શકે.

 

- ક -  જયારે પોલીસ સ્ટેશન અમલદારને આવી જાણ થાય કે કોઇપણ વિવાહિત સ્ત્રીને તેણીના લગ્નના ૧૦ વર્ષની અંદર તેણીના પતિ અથવા પતિના સગાઓ તરફથી ત્રાસ આપવામાં આવે છે તો તે પોલીસ અમલદાર આવી માહિતી તરત જ પોલીસ સ્ટેશન કક્ષાની મહિલા સુરક્ષા સમિતિને જાણ તેમજ ખરાપણાની ખાતરી માટે મોકલી આપશે. જો મહિલા સમિતિને ઉપરોકત માહિતીમાં તથ્ય જણાય તો તે સ્ત્રીના પતિ અથવા સાસરી પક્ષના સભ્યો સાથે વિચાર વિનિમય કરી તે સ્ત્રી સાથેનું વર્તન સુધારવા સમજાવવા પ્રયત્ન કરશે.

 

- ડ -  જો આવી નવપરણિત સ્ત્રી આપઘાતની કોશિષ કરે અને તે અંગે ઇન્ડિયન પીનલ કોડની કલમ-૩૦૯ મુજબનો ગુનો દાખલ થયો હોય તો તેણીને ઔપચારિક રીતે પણ અટક ન કરવી અને આ ગુન્હામાં ખૂબ જ ઉંડાણપૂર્વક તપાસ કરી ખરેખર તે ખૂનની કોશિષનો બનાવ છે કે કેમ તેની શકયતા તપાસવી અને આવો પુરાવો મળે તો તરત જ ખૂનની કોશિષનો ગુન્હો દાખલ કરી તેની તપાસ કરવી અને ઇ. પી. કો. કલમ-૪૯૮(ક) મુજબનો ક્રુરતાનો ગુન્હો બનેલ જણાય તો તે દાખલ કરી તેની તપાસ કરવી. ૩૦૯ના ગુન્હામાં તેણી વિરૂદ્ધ ચાર્જશીટ મુકવાનું થાય તો તાત્કાલિક આ કેસ પાછો ખેંચવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત જિલ્લા પોલીસ અધિકારીશ્રીએ મોકલવી.

 

(ર)    સ્ત્રીઓના અપમૃત્યુ બાદ લેવાના પગલાં.

- અ - કોઇપણ સ્ત્રી લગ્ન જીવનની ૧૦ વર્ષની અંદર પોતાના પતિ સાથે કે સાસરીયામાં રહેતી હોય ત્યારે આપઘાત કરે અથવા અકુદરતી રીતે મૃત્યુ પામે અથવા તેણીના મૃત્યુ થયા અંગે કોઇ સગાએ સંશય વ્યકત કર્યો હોય અથવા મૃત્યુના કારણ સંબંધો કોઇ શંકા હોય ત્યારે ઇન્કવેસ્ટ ભરવાની સત્તા હોય તે એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ જાતે સ્થળ પર ઇન્કવેસ્ટ ભરશે. જ્યારે ઇન્કવેસ્ટ ભરવામાં આવે ત્યારે તેના સાથે પત્ર સ્વરૂપે કે નોંધ સ્વરૂપમાં અલગ રેકર્ડ તૈયાર કરવું કે જેમાં મહિલા સુરક્ષા સમિતિના સભ્ય / સભ્યો જો ઇચ્છે તો સંમતિદર્શક સહી કરી શકે. આવા તમામ મોતની તપાસ ડેપ્યુટી સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસ અથવા તેની ઉપરના હોદ્દાના પોલીસ અધિકારી કરશે અને લાશનું પોસ્ટમોર્ટમ બે ર્ડાકટરોની પેનલ કરશે. કોઇપણ સંજોગોમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ સિવાય લાશનો અંતિમ સંસ્કાર પોલીસના વાંધો નથી તેવા સર્ટીફીકેટ સિવાય કરી શકશે નહીં અને પોલીસ અધિકારી આવું વાંધો નથી તેવું સર્ટીફીકેટ જયાં સુધી સ્ત્રીના માતા-પિતા અથવા નજીકના સગા લાશ જોવે અને તેમને પણ મૃત્યુમાં કંઇ શંકા ન હોય અને પોસ્ટમોર્ટમ તપાસણીની જરૂરિયાત ન હોય તેવું તે લખીને આપતા હોય તો જ અને મૃત્યુના સંજોગો જોઇ આવું પ્રમાણપત્ર પોલીસ આપી શકશે. આવા મોતના બનાવોમાં જયારે મૃત્યુ અકસ્માતમાં થયેલ તેવું ફલિત થાય તો આવા કેસ અંગેના કાગળો જિલ્લાઓમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અને શહેરોમાં જે તે વિસ્તારના નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઉંડાણપૂર્વક ચકાસણી કરશે અને જરૂર જણાય તો તે બાબતોમાં વધારાની તપાસ કરવા જણાવશે.

 

- બ -  કોઇપણ નવપરણિત સ્ત્રી પતિના ઘેર અથવા સાસરીમાં આપઘાત કરે અને તેણીને ગેરવર્તણૂંક કે ત્રાસ દ્વારા તેના પતિ કે સાસરી પક્ષના લોકો દ્વારા આપઘાતની ફરજ પડી છે તેવો પુરાવો મળે તો અત્યાચાર કરનાર વિરૂદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ-૩૦૬ મુજબ કામ કરશે તેમજ પતિ અથવા પતિના સગાઓએ ક્રૃરતાથી કોઇ સ્ત્રીને આપઘાત કરવા પ્રેરવાનો તથા તેના શરીર, અવયવ અથવા આરોગ્યને (માનસિક કે શારીરિક) ગંભીર ઇજા કે ભય થવાનો સંભવ હોય તેવા પ્રકારનું કૃત્ય જાણીબુઝીને કર્યું હોય તો કલમ-૪૯૮(ક) પણ લગાડવી તેમજ આ કલમની જોગવાઇનો યોગ્ય ઉપયોગ કરવો.

 

- ક - આવા કિસ્સાઓમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ-૩૦રના બદલે ઇ. પી. કો. કલમ-૪૯૮(ક) દાખલ ન થાય તેની ખાસ તકેદારી રાખવી તેમજ ખૂનનો બનાવ અકસ્માત, આપઘાત કે નોન કોગ્નિઝેબલમાં કાઢી નાખવામાં ન આવે તેની કાળજી રાખવી. શંકાસ્પદ કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓએ ઇ.પી.કો. કલમ-૪૯૮(ક) મુજબના ગુન્હાને બદલે ખૂનનો ગુન્હો દાખલ કરતાં અચકાવું નહિં. આવા બનાવોમાં કોઇપણ સ્ત્રીને લગ્નની ૧૦ વર્ષની અંદર અપમૃત્યુ થઇ જાય અને તેણીના પતિ અથવા તેના સગાઓ તેણીની લાશને પોલીસને જાણ કર્યા સિવાય બાળી નાખે અથવા બીજી રીતે નાશ કરે તો આ મૃત્યુ ઘણું જ શંકાસ્પદ છે તેવું માની ગુજરાત પોલીસ મેન્યુઅલ વોલ્યુમ-૩, રૂલ્‍સ-રર૩ (૩)(બી) મુજબ ખૂનનો ગુન્હો અવશ્ય દાખલ કરવો અને ત્યારબાદ તેનો નિકાલ કાયદેસરનો કરવો. ટૂંકમાં આવા કોઇપણ શંકાસ્પદ મોત અંગે ઘણી જ ઉંડી તપાસ કરી આ બનાવોમાં શિક્ષણીય મનુષ્ય વધની શકયતા છે કે કેમ તે જોવી અને શિક્ષણીય મનુષ્ય વધ નથી તેવું માનવા વિરૂદ્ધ થોડો પણ પુરાવો મળે તો ખૂનનો ગુન્હો તાત્કાલિક દાખલ કરવો.

 

- ડ -  આવા કેસાની તપાસના ક્રાઇમ મેમો અને કેસ ડાયરીઓની નકલો લાગતા-વળગતા તમામ અધિકારીઓને તાત્કાલિક મોકલી અને આ અધિકારીઓ પણ આ નકલ સમયસર મળે તેવો આગ્રહ રાખશે અને ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને જરૂરી સૂચના આપશે અને ખામીઓ સુધારવા જરૂરી પગલાં લેશે.

 

(૩)    પરિપત્રના અમલ અંગેની જવાબદારી -

- અ - સ્ત્રી વિરૂદ્ધના અત્યાચારના કેસોમાં જો કોઇ પોલીસ અધિકારી બદઇરાદાથી કે બીજા કોઇની શેહશરમમાં આવીને બનેલ ખૂનના ગુન્હાને આપઘાતમાં અથવા અકસ્માતમાં ખપાવવાની કોશિષ કરે તો તેવા અધિકારી વિરૂદ્ધ તેમના ઉપરી અધિકારી તુરત જ ખોટું રેકર્ડ તૈયાર કરવાના, પુરાવાના નાશ કરવાના વિગેરે આરોપસર કાયદાકીય અને ખાતાકીય પગલાં લેશે અને આ પગલાં સમયસર લેવાય તે જોવાની જવાબદારી ઉપરી અમલદારોની રહેશે.

        પોલીસ કમિશ્નરશ્રીઓ, વિભાગીય નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓ, જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ તથા વિશેષ મુખ્ય પોલીસ અધિકારી, સી. આઇ. ડી. ક્રાઇમ અને રેલવે આવા કેસોમાં ખૂબ જ ઉંડાણપૂર્વક અને અસરકારક તપાસ કરાવશે. જેથી કરીને આવા મૃત્યુના કિસ્સાઓમાં ખુન થયેલ હોવા છતાં ખૂનનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો ન હોય અથવા બીજી કોઇ ગેરરીતિ થયેલ હોય તો પુરાવાઓ તપાસી ગુન્હો દાખલ કરી શકાય.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(ર. દ. તામ્હણે)

સંયુકત સચિવ

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર

 

પ્રતિ,

 • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ

 • તમામ વિશેષ મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓ

 • પોલીસ મહાનિર્દેશક અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ

 • વિશેષ મુખ્ય પોલીસ અધિકારીશ્રી, સી.આઇ.ડી. (ક્રાઇમ અને રેલવે) ગુજરાત રાજ્ય, અમદાવાદ જરૂરી કાર્યવાહી અર્થે.

 • વિશેષ મુખ્ય પોલીસ અધિકારીશ્રી, હથિયારી એકમ, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

 • પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, સુરત શહેર.

 • પ્રિન્સીપાલ, પોલીસ ટ્રેનીંગ કોલેજ, જૂનાગઢ.

 • સર્વે નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓ

 • સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ

 • પ્રિન્સીપાલ, પોલીસ ટ્રેનીંગ સ્કૂલ, વડોદરા.

 • તમામ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓ

 • તમામ જિલ્લા પેટા વિભાગીય મેજીસ્ટ્રેટશ્રીઓ

 • નિયામકશ્રી, મહિલા અને બાળવિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

 • સચિવશ્રી, સમાજકલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

 • નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતું

 • ગૃહ વિભાગની સર્વે શાખાઓ.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૨૦ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ